ષોડશગ્રંથોનો નિત્યપાઠ શા માટે ?

દરેક વૈષ્ણવે દરરોજ શ્રીમહાપ્રભુજીરચિત ‘ષોડશગ્રંથ’ના સોળે ગ્રંથોનો અવશ્ય પાઠ કરવો.

પાઠ કરતાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી :

(૧) દરેક શ્લોકનો અર્થ સમજી-વિચારીને પાઠ કરવો.

(ર) શુદ્ધ ઉચ્ચારપૂર્વક પાઠ કરવા. શુદ્ધ ઉચ્ચાર જાણકાર પાસેથી શીખી લેવા.

(૩) નિત્ય નિયમથી પાઠ કરવા.

(૪) ચિત્ત પ્રસન્ન રાખીને પાઠ કરવા.

(પ) શ્રીમહાપ્રભુજીની વાણીમાં શ્રદ્ધા તથા વિશુદ્ધ બુદ્ધિ રાખીને પાઠ કરવા.

(૬) કોઇ લૌકિક દુઃખ દૂર કરવા કે સુખ મેળવવાની ઇચ્છાથી પાઠ ન કરવા.

(૭) શુદ્ધ, પવિત્ર સ્થિતિમાં, શક્ય હોય ત્યાં સુધી બેસીને, પાઠ કરવા.

(૮) ઝડપથી ગાડી દોડાવીએ તેમ પાઠ ન કરવા.

(૯) ષોડશગ્રંથમાં શ્રીમહાપ્રભુજીએ જીવન જીવવા માટે જે કંઇ કરવા જેવું બતાવ્યું, તે પૈકી જેટલું યથાશક્તિ જીવનમાં ઉતારાય તેટલું પ્રયત્નપૂર્વક ઉતારવું.

ષોડશ ગ્રંથ – પરિચય

માયાવાદનું ખંડન કરી, ‘શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદ’નું સ્થાપન કરવા પ્રકટ થયેલા શ્રીવલ્લભાચાર્યજી મહાપ્રભુજીએ સ્વમાર્ગના સિદ્ધાંતો સમજાવવા નાના-મોટા અનેક ગ્રંથો રચ્યા છે.

મહર્ષિ વ્યાસ મુનિના ‘બ્રહ્મસૂત્ર’ પર ‘અણુભાષ્ય’ નામે ટીકા લખી. શ્રીમદ્‌ ભાગવત ઉપર ‘સુબોધિનીજી’ ટીકા લખી. એ જ રીતે સ્વમાર્ગ-પુષ્ટિમાર્ગના પાયાના સિદ્ધાંતો પોતાના સેવકોને સમજાવવાના ઉદ્દેશથી જુદાજુદા પ્રસંગોએ નાના નાના સોળ ગ્રંથો રચ્યા. આ ગ્રંથો આપણા સંપ્રદાયમાં ‘ષોડશ ગ્રંથો’ના નામે જાણીતા છે.

‘ષોડશ ગ્રંથો’નું સ્થાન આપણા સંપ્રદાયમાં વિશિષ્ટ છે. તે આપણા માર્ગની ગીતા છે. તેથી તેને ‘વલ્લભ-ગીતા’ પણ કહેવામાં આવે છે. તેને પુષ્ટિમાર્ગનાં ઉપનિષદો પણ કહી શકાય; કારણ તેમાં પુષ્ટિમાર્ગના સર્વ સિદ્ધાંતોનો નિચોડ છે. તે સૂત્રાત્મક શૈલી અર્થાત્‌ ખૂબ ઓછા શબ્દોમાં રચાયેલા છે, પણ તેમાં ભારોભાર અર્થ ભરેલો છે. આ ગ્રંથો ચંદ્રની સોળ કળા સમાન છે. શ્રીમહા-પ્રભુજીની અલૌકિક દિવ્ય વાણીના સોળ અલંકારો સમાન છે. શ્રીમહાપ્રભુજી શ્રીઠાકોરજીના મુખારવિંદનું પ્રાક્ટ્ય હોવાથી વેદની જેમ આ ગ્રંથો પણ પ્રભુ-નિર્મિત – અપૌરુષેય છે.

આમાંનો દરેક ગ્રંથ આમ તો જુદા જુદા પ્રસંગે સ્વતંત્ર રીતે લખાયેલ છે; પરંતુ દરેક ગ્રંથનું એકબીજા સાથે અનુસંધાન છે.

સૌપ્રથમ ગ્રંથ ‘યમુનાષ્ટક’ છે. પ્રભુપ્રાપ્તિ માટે સાંસારિક વિષયોમાં આસક્ત જીવનો સ્વભાવ શ્રીયમુનાજીની કૃપાથી બદલાય છે, માટે તેમની સ્તુતિ કરી છે.

‘બાલબોધ’માં શાસ્ત્રમાં કહેલા ચાર પુરુષાર્થોનું સ્વરૂપ સમજાવી,

‘સિદ્ધાન્ત-મુક્તાવલી’માં ભગવદ્‌સેવાનો સ્વમાર્ગનો પાયાનો સિદ્ધાન્ત સમજાવ્યો.

જીવોના ત્રણ ભેદ – પુષ્ટિ, પ્રવાહ, મર્યાદા – સમજાવવા માટે ‘પુષ્ટિ-પ્રવાહ-મર્યાદાભેદ’ ગ્રંથ રચ્યો.

પછી તેમાં બતાવેલા પુષ્ટિજીવોને પ્રભુનો સંબંધ બ્રહ્મસંબંધ દ્વારા કેવી રીતે થાય, તે સમજાવવા ‘સિદ્ધાન્ત-રહસ્ય’ ગ્રંથની રચના કરી.

બ્રહ્મસંબંધી જીવે કોઇ પણ પ્રકારની લૌકિક કે અલૌકિક ચિંતા ન કરવી, તે બાબત ‘નવરત્ન’ ગ્રંથમાં સમજાવી.

ચિંતામુક્ત બનેલા ભક્તે પોતાનું સર્વસ્વ પ્રભુને સોંપી, તેમની સેવામાં પોતાના દેહનો વિનિયોગ કરવાનો બોધ પોતાના અંતઃકરણને આપતા હોય, તેમ ‘અંતઃકરણ-પ્રબોધમાં’ બોધ આપ્યો.

‘વિવેક-ધૈર્યાશ્રય’માં ભક્તને વિવેક, ધૈર્ય અને આશ્રયના ગુણો કેળવવાની સમજ આપી.

પુષ્ટિમાર્ગીય જીવે શા માટે કેવળ શ્રીકૃષ્ણનો જ આશ્રય કરવો, તે વાત ‘કૃષ્ણાશ્રય’માં સમજાવી.

ભગવાન શ્રીકૃષ્ણ જ આપણા ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે, તે વાત ‘ચતુઃશ્લોકી’માં સિદ્ધ કરી,

ભક્તિનો વિકાસ કેવી રીતે થઇ શકે, તે ‘ભક્તિવર્ધિની’ ગ્રંથમાં બતાવ્યું.

ભક્તિની વૃદ્ધિ માટે ભગવદ્‌-ગુણગાન, કથા વગેરેનું શ્રવણ કરવું જોઇએ. આવું શ્રવણ કરનારના ભેદ ‘પંચપદ્યાનિ’માં છે.

વક્તાઓ પણ જુદા જુદા પ્રકારના હોય છે, એ વાત ‘જલભેદ’માં વિવિધ જલાશયોનાં જળનાં ઉદાહરણ દ્વારા બતાવી.

પ્રભુદર્શન માટે વિરહ આવશ્યક છે. આવા વિરહ માટે ભક્તિમાર્ગીય સંન્યાસ આવશ્યક છે. તેના સ્વરૂપનું નિરૂપણ ‘સંન્યાસ-નિર્ણય’માં કર્યું.

આવા ભક્તે પોતાની ઇન્દ્રિયોનો વિનિયોગ કેવળ પ્રભુ અર્થે જ કરવો જોઇએ. આ સિદ્ધાન્ત ‘નિરોધ-લક્ષણ’માં જોવા મળે છે.

આવા ભક્તને પ્રભુસેવાનું કેવું ફળ મળે છે, તે ‘સેવાફલ’ ગ્રંથમાં સમજાવ્યું.

‘ભક્તના જીવનમાં પ્રથમ ભૂમિકા સ્વભાવ-વિજય હોવાથી તે પ્રાપ્ત કરાવનાર ‘યમુનાષ્ટક’ ગ્રંથ પ્રથમ છે. સેવાનું ફળ છેલ્લી ભૂમિકા હોવાથી તે છેલ્લો ગ્રંથ છે. આમ, આ સોળ ગ્રંથોમાં ક્રમિક સંબંધ છે. જેમ નિસરણીના એક પગથિયા પરથી બીજે પગથિયે ચઢાય છે, તેમ આ ગ્રંથોમાં ભક્તિમય જીવનનાં એક પછી એક વિકાસનાં પગથિયાંનો નિર્દેશ કરવામાં આવ્યો છે.’

Advertisements
Categories: Holistic Healing, Religious, Vedic Mantra & Paath | Leave a comment

Post navigation

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: