ઉંદર સાત પૂંછડિયો

એક ઉંદરડીના નાના બચ્ચાંને સાત પૂંછડી હતી.

ઉંદરડી તેનું બહુ જતન કરતી હતી. એ સાત પૂંછડિયો ઉંદર થોડો મોટો થયો એટલે તેની માએ એને નિશાળે ભણવા મોકલ્યો.

નિશાળમાં છોકરાઓને ઉંદરની સાત પૂંછડીઓ જોઈને રમૂજ થઈ. છોકરાઓ ઉંદરને ખીજવવા લાગ્યા.

ઉંદર સાત પૂંછડિયો ! ઉંદર સાત પૂછડિયો!

છોકરાઓના મોઢે આવું સાંભળી ઉંદર રડતો રડતો ઘેર આવ્યો.

ઉંદરડીએ પૂછયું – બેટા રડે છે કેમ ?

ઉંદર કહે – મા નિશાળમાં મને છોકરાઓ સાત પૂંછડિયો કહીને ખીજવે છે.

ઉંદરડી કહે – બેટા, એમાં રડવાનું ન હોય. જા વાળંદ પાસે જા. એક પૂંછડી કપાવી આવ.

માની વાત સાંભળીને ઉંદર વાળંદ પાસે એક પૂંછડી કપાવી આવ્યો.

ઉંદર બીજે દિવસે નિશાળે ગયો. છોકરાઓ બરાબર પૂંછડીઓ ગણી પાછા ખીજવવા લાગ્યા.

ઉંદર છ પૂંછડિયો ! ઉંદર છ પૂંછડિયો !

ઉંદર નિશાળમાંથી ભાગ્યો અને ઘેર આવી માને કહે – મા મને તો હજુ છોકરાઓ ઉંદર છ પૂંછડિયો કહીને ખીજવે છે.

મા કહે – કાંઈ વાંધો નહિ. જા એક પૂંછડી કપાવી આવ. ઉંદર વળી પાછો એક પૂંછડી કપાવી આવ્યો.

આમ ઉંદર દરરોજ એક પૂંછડી કપાવે. એમ કરતાં ઉંદરને એક જ પૂંછડી રહી. તો પણ નિશાળમાં બધાં છોકરાઓએ ઉંદરને ખીજવ્યો.

ઉંદર એક પૂંછડિયો ! ઉંદર એક પૂંછડિયો !

છોકરાઓથી કંટાળીને ઉંદરે ઘેર આવી માને પૂછ્યા વિના છેલ્લી પૂંછડી જાતે જ કાપી નાખી. પછી અરીસામાં જોયું ને બોલ્યો – હવે મારે પૂંછડી જ નથી. એટલે છોકરાઓ મને ખીજવી નહિ શકે.

બીજે દિવસે ઉંદર નિશાળે ગયો. છોકરાઓને વધારે ગમ્મત પડી. એ તો ઉંદરને ઘેરી વળીને ખીજવવા લાગ્યા.

ઉંદર બાંડો ! ઉંદર બાંડો !

ઉંદર ઘેર આવી માને ફરિયાદ કરી.

ઉંદરડી કહે – બેટા, તારે તારી બધીજ પૂંછડીઓ કપાવી નાખવાની જરૂર ન હતી. બધાં ઉંદરને એક પૂછડી તો હોય જ.

ઉંદર રડતા રડતા બોલ્યો – મા, ગમે તેમ કર, મારે મારી પૂંછડી પાછી જોઈએ છે.

મા વિચાર કરીને કહે – જા તારી કપાયેલી પૂંછડી લઈ આવ તો.

ઉંદરે દોડતા જઈને પોતાના ઓરડામાંથી પૂંછડી લઈ આવી માને આપી.

માએ ખૂબ મહેનત કરી ઉંદરને તેની કપાયેલ પૂંછડી ફરી સરસ રીતે લગાવી આપી અને કહ્યું કે હવે પછી છોકરાંઓને જે બોલવું હોય તે ભલે બોલે પણ તું તેના તરફ બિલકુલ ધ્યાન આપીશ નહિ.

ઉંદરભાઈ તો પછી રોજ નિશાળે જવા લાગ્યા અને ભણવામાં ધ્યાન આપવા લાગ્યા. છોકરાંઓએ થોડા દિવસ ઉંદરને ખિજાવવાની કોશિશ કરી જોઈ પણ ઉંદરે તો તેમના તરફ બિલકુલ ધ્યાન આપ્યું નહિ એટલે તેમણે પણ ઉંદરને હેરાન કરવાનું છોડી દીધું. ઉંદરભાઈ તો ખૂબ ભણીને પહેલા નંબરે પાસ થઈ ગયા !

 

Advertisements

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: