ડોસો અને દીકરો

એક હતો ડોસો અને એક હતો દીકરો. બાપ અને દીકરો પરગામ ગધેડું વેચવા ચાલ્યા. આગળ બાપ અને દીકરો ચાલ્યા જાય છે ને પાછળ ગધેડું દોરાયું આવે છે.

રસ્તે બે જુવાન માણસો મળ્યા. તે કહે: “અરે રામ ! આ બાપ દીકરા જેવા બાઘા કોઈએ જોયા છે ? ગધેડું ઠાલું ચાલ્યું આવે છે ને બાપ દીકરો પગ તોડે છે !”

બાપને થયું વાત બરાબર છે. બાપે દીકરાને ગધેડા પર બેસાડ્યો ને પોતે ગધેડું દોરી આગળ ચાલ્યો.

ત્યાં બે બાઈઓ મળી. બાઈઓ કહે: “હે રામ ! આ કળજુગ ભાળ્યો ? બિચારો બુઢ્ઢો બાપ ચાલ્યો આવે છે ને જુવાનજોધ દીકરો શાહજાદો બની સવાર થઈ ગયો છે ! એને શરમ નહિ આવતી હોય ?”

દીકરાને થયું બાઈઓની વાત પણ ખોટી નથી. દીકરો હેઠે ઊતર્યો ને ફરી બાપ ગધેડા પર બેઠો. ત્યાં તો વળી કોકે કહ્યું: “એલા, તારા ધોળામાં ધૂળ પડી ! લાજતો નથી ? આ છોકરો બાપડો ચાલ્યો આવે છે ને તું એકલો ગધેડે ચડીને બેઠો છે ! છોકરાને પણ ભેગો બેસાડી લેને.”

ડોસો શરમાઈ ગયો ને દીકરાને પણ પોતાની આગળ બેસાડ્યો. જરાક દૂર જાય, ત્યાં બાવાઓનું એક ટોળું મળ્યું, એક બાવો કહે: “અરે ! છે આ બાપ દીકરાને કોઈની દયા ? બેઉ કેવા ગધેડા ઉપર બેઠા આવે છે ! ઈ મુંગા જીવને કંઈ બોલતા આવડે છે તે બોલે ? બેઉના ભારથી બચાડો જીવ કેવો મૂંઝાઈ ગયો છે !”

બાપ-દીકરો ગધેડા ઉપરથી ઊતરી પડ્યા.

દીકરો કહે: “બાપા, ત્યારે હવે આપણે શું કરશું?”

બાપા કહે: “આમાં તો મને પણ સમજ પડતી નથી.”

ત્યાં એક ઉંમરલાયક ડોશી નીકળી. બાપ-દીકરાની મૂંઝવણ જાણી તે હસવા લાગી. ડોશી કહે કે આમ સાવ બાઘા જેવા થાઓ મા. જે માણસને કંઈ કામ-ધંધો હોય નહિ તે જ બીજાનું વાંકું બોલે કે બીજાની ભૂલો કાઢતા ફરે. અને માગ્યા વિનાની શીખામણ આપ્યા કરતા હોય એવા લોકો તો ઢબ્બુના ‘ઢ’ કહેવાય. એવા નકામા માણસોની વાતો આપણે શું કામ સાંભળવી ? તમ તમારે બાપ અને દીકરો તમને પોતાને ઠીક લાગે તેમ કરો અને તમારે રસ્તે હેંડતા થાવ.

બાપ-દીકરાને ડોશીની વાત બરાબર લાગી અને પછીથી માગ્યા વિનાની શીખામણ આપી દોઢ ડાહ્યા થતા નકામા માણસોની વાત પર ધ્યાન આપવાનું છોડી દીધું.

 

Advertisements

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: