પૈસાને વેડફાય નહિ

એક વેપારીને ઘેર એકનો એક દીકરો. આથી માતા-પિતા પુત્રને બહુ લાડ કરે. એને ખુશ રાખવામાં તેઓ કોઈ ખામી આવવા દે નહિ.

વધારે પડતાં લાડથી પુત્ર બગડવા લાગ્યો. એ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધુને વધુ ઉડાઉ થતો ગયો. ખોટો ખરચ ન કરવો જોઈએ એવી એને ખબર પડતી નહિ. આથી માતા-પિતાને ચિંતા થવા લાગી. પુત્રને સુધારવા માટે માતા-પિતાએ ઘણા પ્રયત્નો કર્યા. પણ કોઈ ફરક પડ્યો નહિ.

એક દિવસ પિતાએ પુત્રને કહ્યું: ‘બેટા, મારી પાસે જે કાંઈ છે તે તારું જ છે. પણ શરત એ કે તું પણ કમાઈ શકે છે એવું તારે બતાવવું પડશે. ત્યાં સુધી મારા પૈસામાંથી તને એક પૈસોય નહિ મળે.’

પિતાની ટકોરથી પુત્રને ખૂબ લાગી આવ્યું એણે નક્કી કર્યું, ‘હું કમાઈ શકું છું એવું ચોક્ક્સ બતાવી આપીશ.’

બીજે દિવસે પુત્ર કામની શોધમાં નીકળ્યો. ફરતા ફરતા તેને લારી ખેંચવાનું મળ્યું. કામમાં અનાજની ગૂણો લારીમાં મૂકવાની ને બીજે દિવસે જઈને ઉતારવાની હતી. આખો દિવસ કાળી મજૂરી કરી ત્યારે એને એક રૂપિયો મળ્યો. રૂપિયો લઈ એ ઘેર ગયો. એણે રૂપિયો પિતાજીને આપ્યો. ઘરની પાછળ વાડામાં એક કૂવો હતો. પિતાએ તો પુત્રના દેખતાં એ રૂપિયો કૂવામાં નાખી દીધો.

થોડા દિવસ આમ જ ચાલ્યું. પિતા દીકરાને કશું કહે નહિ અને એની કમાણીનો રૂપિયો કૂવામાં નાંખી દે. હવે પુત્ર અકળાયો. તેણે પૂછ્યું, ‘પિતાજી, મારી કાળી મજૂરીનો રૂપિયો તમે આમ કૂવામાં શા માટે નાખી દો છો?’

પિતાએ એને કહ્યું: ‘હું જાણું છું કે તું દિવસભર સખત મજૂરી કરે છે ત્યારે એક રૂપિયો કમાય છે. તારી મહેનતનો એક રૂપિયો જ્યારે હું કૂવામાં નાંખી દઉં છું ત્યારે તારું હ્રદય કપાઈ જતું હશે એ પણ હું સમજી શકું છું. એ જ પ્રમાણે દીકરા, મારા કમાયેલા રૂપિયા તું જ્યારે ગમે તેમ વેડફી નાખતો હતો ત્યારે મને કેવું લાગતું હશે એ તને હવે સમજાયું હશે.’

પુત્રને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એણે પિતાને કહ્યું: ‘હવેથી હું રૂપિયા ગમે તેમ વેડફીશ નહિ.’

 

Advertisements

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: