રીંછે કાનમાં શું કહ્યું ?

એક હતો ગોપાલ અને એક હતો મોહન.

મોહન બહુ ભોળો અને ગોપાલ ભારે ચબરાક. બન્ને નિશાળમાં સાથે ભણે. બન્ને ભાઈબંધ હતા. નિશાળમાં રજાના દિવસે બન્ને નજીકના જંગલમાં ફરવા ગયા. મોહનને જંગલમાં ડર લાગવા લાગ્યો.

મોહન કહે – ગોપાલ, મને તો બીક લાગે છે. કોઈ જંગલી જાનવર આપણને ફાડી ખાશે તો ?

ગોપાલ કહે – તું તો સાવ ડરપોક છે. તારી સાથે હું છું તેથી તારે ડરવાની જરા પણ જરૂર નથી.

મોહન ફરી બોલ્યો – પણ ગોપાલ, આપણી પાસે જંગલી જાનવરનો સામનો કરવા કોઈ હથિયાર પણ નથી તેનું શું ?

ગોપાલ કહે – હથિયારની શું જરૂર છે ? આપણે બન્ને મોટા અવાજ કરી એને ભગાડી દેશું.

બન્ને મિત્રો આમ વાતો કરતા થોડું આગળ ચાલ્યા ત્યાં અચાનક ગોપાલે સામેથી એક રીંછ આવતું જોયું. ગોપાલનાં બધાં બણગાં હવામાં ઊડી ગયાં. તે તો રીંછને જોતાં જ પોતાના મિત્રની પરવા કર્યા વિના પોતાનો જીવ બચાવવા ભાગ્યો.

ગોપાલ દોડીને પાસેના ઝાડ પર ચડી ગયો. મોહને રીંછને નજીક આવતું જોઈ બૂમ પાડી – મિત્ર, ગોપાલ ! મને બચાવ ! પણ ગોપાલ તો ઝાડની ઊંચી ડાળીએ પહોંચી પાંદડાંની ઘટામાં સંતાઈ ગયો.

મોહનને ઝાડ પર ચઢતાં આવડતું ન હતું. તેને થયું કે હવે કરવું શું ? પણ મોહનને એક ઉપાય મળી ગયો. તે પોતાનો શ્વાસ રોકી જમીન પર મડદાની જેમ સૂઈ ગયો. ના હાલે કે ના ચાલે. થોડી વારમાં રીંછ મોહનની નજીક આવ્યું. તેણે એના શરીરને સૂંઘી જોયું. રીંછને થયું કે આ તો મરેલો જ છે. એટલે તે ત્યાંથી આગળ જતું રહ્યું. ગોપાલે આ જોયું પણ એને ખબર ન પડી કે રીંછ શું કરતું હતું.

રીંછના ગયા પછી ગોપાલ ઝાડ પરથી નીચે ઊતર્યો. એણે મોહનની મજાક કરતાં પૂછ્યું – અલ્યા મોહન ! શું રીંછ તારું સગું થતું હતું કે શું ? એણે તારા કાનમાં શું કહ્યું ?

મોહન કહે – રીંછ મને શિખામણ આપી કે મુસીબતમાં સાથ છોડી જાય તેનો કદી વિશ્વાસ ન કરવો.

મોહનનો આવો જવાબ સાંભળીને ગોપાલનું માથું શરમથી નીચું થઈ ગયું.

 

Advertisements

Blog at WordPress.com.

%d bloggers like this: