સૌથી મોટું ઈનામ

એક વરુ હતું. એક દિવસ તે શિકાર કરીને ખાતું હતું ત્યારે ઉતાવળમાં તેના ગળામાં નાનું હાડકું ફસાઈ ગયું. એણે હાડકાને બહાર કાઢવા ઘણી મહેનત કરી પણ હાડકું બહાર નીકળ્યું નહિ.

તેને થયું કે જો આ હાડકું નહિ નીકળે તો હું ભૂખ અને તરસથી મરી જઈશ! તે જંગલનાં બધાં પ્રાણીને કહેવા લાગ્યું, ‘મારા ગળામાંથી હાડકું કાઢી આપો ને?’પણ બધાં પ્રાણીઓએ એને કહ્યું કે અમે નહિ કાઢી આપીએ.

વરુને ગળામાં ખૂબ જ દુઃખવા લાગ્યું. તે બરાડા પાડતું નદી કિનારે આવી પહોંચ્યું. ત્યાં એક બગલો ઊભો હતો.

વરુએ બગલાને કહ્યું,‘બગલાભાઈ, મારા ગળામાં ફસાયેલ હાડકું કાઢી આપો, હું તમને મોટું ઈનામ આપીશ.’

વરુ પોતાનું મોં ખલ્લું રાખીને બેઠો હતો. બગલાભાઈએ ઈનામની લાલચે વરુના મોંમા તેની ચાંચ નાખી ખૂબ મહેનત કરીને વરુના ગળામાંથી હાડકું બહાર કાઢ્યું. વરુને રાહત થઈ.

બગલો કહે, ‘વરુભાઈ, મને મારું ઈનામ આપી દો.’

વરુ ઘૂરક્યો, ‘અલ્યા બગલા! તું ઈનામથી વાત ભૂલી જા. મારા મોંમાંથી કોઈ બચ્યું છે ખરું ? તારી ડોક મારા મોમાં હતી તોય હું તને મારીને ખાઈ ન ગયો એટલે તારે મારો આભાર માનવો જોઈએ. તું બચી ગયો છે, આથી વધુ સારું ઈનામ હું તને બીજું શું આપું, બોલ?’

બગલો શું બોલે? મોં વકાસીને બેસી રહ્યો. વરુ ત્યાંથી જતું રહ્યું.

 

Advertisements

Create a free website or blog at WordPress.com.

%d bloggers like this: