શ્રીભાગવતનો પાઠ

વેદવાણી, મન જાણી, શ્રી હરિવલ્લભ વિઠ્ઠલા;

ચાર વેદનો સાર કહું શ્રીભાગવત અમૃત કથા.

 

ભગવાને શ્રી બ્રમ્હાને કહ્યું,

નારદજીએ તે સાંભળ્યું;

શ્રીવ્યાસજીએ હૃદયે ધર્યું,

શુકદેવજીએ પાઠ કર્યું.

 

ધન્ય શુકદેવ ધન્ય પરીક્ષિતરાય, જેને મુખે અમૃત ઝરે;

શ્રીભાગવત પૂરે શાખ, કોટિ જન્મનાં પાતક હરે.

શ્રી વ્યાસ વલ્લભે કહી, આ કથા પ્રમાણ;

તે આજ હું કહું તમને વિચારી જુગ તે જાણ.

 

શમીક ઋષિ બેઠા વનની છાંય,

વાળી પલાંઠી ધ્યાન ધરાય;

મૃગયા રમવા ગયા પરીક્ષિતરાય,

કળિયુગઆવી લાગ્યો તેને પાય.

 

મને રહેવા આપો પ્રભુ ઠામ,

એટલું કરો સેવકનું કામ;

કનક દ્યુત મદ્યને હિંસા સ્થાન,

તારે રહેવું જઈએ ઠામ.

 

એટલે મુગટમાં કીધો પ્રવેશ,

ફરી બુદ્ધિ પરીક્ષિત નરેશ;

ઋષિ સમાધિમાં ન દીધા માન,

રાજા સમજ્યો એનું અપમાન.

ડોકે નાખ્યો એક મરેલો સાપ,

દીઠો શૃંગી પુત્રે દીધો શ્રાપ;

 

જેણે દુભાવ્યા મારા તાત,

તેને સાતમે દિને પ્રભાત;

ડંસ મારશે તક્ષક નાગ,

પ્રાણ એ નિશ્ચય કરશે ત્યાગ.

 

સુણી પુત્રને તાત કહે વાત,

કેમ દીધો તે રાયને શ્રાપ;

સાતમે દિન ગુમાવે પ્રાણ,

કરો રાયને એ વાતની જાણ.

 

આજ્ઞા લઈને તે શિષ્યો જાય,

આવીને ઊભા સભામાંય;

રાયે આવતાં દીઠા ઋષિરાય,

આસન આપી બેસાડ્યા ત્યાંય.

કીધાં સ્વાગત દીધાં માન,

પૂછ્યા ક્ષેમ કુશળ ને કામ.

 

મનુષ્ય મન છે દોહ્યલું, ન રીસ આણશો નૃપ;

આજથી સાતમે દિન તમોને, ડંસશે તક્ષક નાગ અચૂક.

 

તોયે રાજાને ચડી ન રીસ,

શ્રાપ ચઢાવ્યો એણે શીશ;

અર્ધ્ય પાત્ર લઇ કીધું પૂજન,

સંતોષીને વળાવ્યા ઋષિજન.

 

પછી રાયે તેડ્યા વિપ્ર અપાર;

દાન દીધા વિધ વિધ પ્રકાર

મોતી-માણેક હીરા-સાર,

મણિ રત્ન મોંઘા ભંડાર.

જનમેજયને સોંપ્યું રાજ,

મંત્રીને સમજાવ્યાં કાજ;

 

રાજા પધાર્યા ગંગાને તીર,

જેનાં પવિત્ર નિર્મળ નીર

ભવ્ય ભાગીરથીને તીર,

બેઠા આસન વાળી વીર

રાજા કહે શુકદેવજી મહારાજ,

હરિ કથાની કહો મને વાત;

 

કૃષ્ણ કથાની સંભળાવો વાત,

તે તો ભારે સમર્થ સાથ.

થયા પાંડવ કૌરવના યુદ્ધ,

માએ કીધાં ગોત્ર જનના વ્રત,

મારો માતાના ગર્ભમાં વાસ,

કેમ શોષ્યા પૂતનાના પ્રાણ.

 

એટલે શુકદેવજી બોલીયા, તમે સાંભળો રાજન;

સંભળાવું શ્રીભાગવત કથા, જો હોય તમારું મન .

નિશ્ચે કરો તમારા દેહનું કલ્યાણ;

અન્નઉદક પરહરો ને ધરો હરિનું ધ્યાન

 

બ્રમ્હાએ હરિની સ્તુતિ કરી,

પૃથ્વી ગાય રૂપે અવતરી;

સારંગધર ને મન ચિંતા થઇ,

દેવનું કારજ કરવું સહી.

 

દેવલોકની લેવા સંભાળ,

અવતર્યા પોતે થઇ ગોવાળ.

કંસ ભગિની દેવકી સાથ,

થયો વસુદેવનો વિવાહ.

આપ્યા હાથી ઘોડા ખૂબ,

ઉત્સવ ઉજવાયો દિન શુભ;

 

બેનને વળાવવા બંધુ જાય,

એટલે આકાશવાણી થાય.

કંસ ખૂટ્યો છે તારો કાળ,

મારશે તને બેનીનો બાળ;

 

તારી બેન દેવકીનો અંશ,

આઠમો તને મારશે કંસ.

તારો ભાણેજ કરશે ધ્વંશ,

તારા કાળનો એનામાં અંશ.

 

કંસ રથેથી ઉતર્યો ને ખડ્ગ લીધું હાથ;

દેવકીનો સાહ્યો ચોટલો ને કરવા મહાઉત્પાત.

વસુદેવ કંસને વિનવે મહારાજ સાંભળો વાત

લખ્યા લેખ તે નહિ માટે તમે શિદ કરો ઉચાટ.

 

બહુ બહુ પ્રકારે વિનવે, પણ કહ્યું ન મને કંસ

ત્યારે વસુદેવે વચન આપ્યું, સોંપવા નિજ વંશ.

બેડી જડી બેઉને નાખ્યા કારાવાસ,

છઠામઠા કર્મ તણાં ફળ ભોગવો

કરો ભાવિનો વિચાર.

 

થોડે સમે પુત્ર પ્રસવિયા, ગઈ ખબર કંસની પાસ

કંસે મન વિચાર્યું, શિદ કરું આનો નાશ

સંતાન સાત શત્રુ નથી, છે આઠમો મુજ કાળ

તો આઠને છોડી દઈને હણીશ આઠમું બાળ.

 

પણ નારદે કંસને કહ્યું, તું ભૂલે ભાવિ નિર્માણ,

છપ્પન કોટિ જાદવ બધા, છે શત્રુ તારા જાણ.

સુણી વચન નારદ તણાં, કંસે કર્યો નિર્ધાર

એક પછી એક મારિયા, વાસુદેવ કેરા બાળ.

 

સાત સાત બાળક માર્યા કંસે, પડી આઠમાની ફાળ,

આકાશવાણી સાંભરી એ કંસ કેરો કાળ.

શ્રાવણ માસની અષ્ટમીની, આવી એ મધરાત,

દેવકીને દર્શન થયાં, શ્રી કૃષ્ણનાં સાક્ષાત.

 

પાયે પદમ સોહામણા, મુખે તેજનો ઝળકાટ

રમણીય રૂપ દૈવી એ શોભે, અજબ વૈકુંઠનાથ.

ત્યારે શ્રી બાલકૃષ્ણ બોલિયા, તમે સાંભળો મા વાત;

તમ દુઃખ દૂર કરવા આજે , અવતર્યા પોતે મધરાત.

 

ગોકુળ અમોને લઇ જાઓ, શ્રી નંદરાયને ઘેર;

જશોદાને પુત્રી અવતરી, મુજ સાથ કરો હેરફેર.

મને ત્યાં પડતો મૂકી, પુત્રી લઈ આવો તાત;

કંસ મામાને કહેજો કે, જન્મી છે પુત્રી જાત.

 

ત્યારે વસુદેવ બોલીયા, કેમ કઠણ થાયે કાજ;

બંધન અમારા ક્યેમ ખુલે, પહોંચાય કેમ કરી આજ.

બહાર દરવાજે ઊભા, ચોકી કરે ચોકીદાર;

અંધારી રાતે કેમ ઊઘડે, ભોગળ વાસ્યા દ્વાર.

 

એટલે શ્રીકૃષ્ણે કૌતુક કર્યું, તૂટ્યા બેડીના બંધ;

દ્વારપાળ લાગ્યા ઘોરવા, થયા છતી આંખે અંધ.

કરન્ડિયામાં સુવાડ્યા શ્રીકૃષ્ણને, વસુદેવે ધર્યા શિર;

ઝરમર વરસે મેહુલો ને, વીજ ચમકે ગંભીર.

 

શ્રીજમનામાએ મારગ દીધો, થયા તરત બે ભાગ;

વસુદેવ ચાલ્યા હરખથી, સરિતાએ દીધો માર્ગ.

નાગે છત્ર કીધાં, ફેણે દીધાં ઓછાર;

રખે ફોરા લાગશે, જન્મ્યા શ્રી જુગદાધાર.

 

વસુદેવ ગોકુળ પહોંચ્યા, ને બદલી લીધા બાળ;

કન્યાને લઇ પાછા ફર્યા, ત્યારે જાગીયા રખેવાળ.

કારાગૃહે બાળા રડી, ગભરાયા ચોકીદાર;

સંતાન પ્રસવ્યું દેવકીને, એમ કહ્યાં સમાચાર.

 

કંસ આવ્યો દોડતો, પડી એને હૈયે ફાળ;

એ આઠમું સંતાન તો, નિશ્ચે લાવશે મુજ કાળ.

જ્યાં બાળ લીધું ઝુંટવી, દેખી વિમાસણ થાય;

આ કન્યકાથી મોત મારું કેમ નિપજાવાય ?

 

પગ પકડી અફાળી દેહ,

પાપીના દિલમાં નહિ સ્નેહ;

વીજળી થઇ આકાશે ગઈ,

જતા જતા એ કહેતી ગઈ.

 

મને મારીને શું હરખાય,

તારો કાળ જીવે છે રાય;

ગોકુળ ગામે ઉછરે બાળ,

કંસ થશે તે તારો કાળ.

 

સાંભળી બેનને લાગ્યો પાય,

મેં તુજને કીધો અન્યાય;

બેનનાં બાળક માર્યા સાત,

એ મારો મોટો અપરાધ.

 

કારાગૃહેથી છૂટા કર્યા,

દુઃખડા સહુ બંનેના હર્યા;

પછી વિચારે છે એકાંત,

ચિત્ત બન્યું છે એનું અશાંત.

 

પોતાનો જીવે છે કાળ,

પડી એને હૈયે ફાળ;

કેશી દૈત્ય કહે ન કરો ખેદ,

આણી આપીશ એનો ભેદ.

 

કહો પૂતના રાક્ષસણીને જાય,

કરે ગોકુળમાં બાળહત્યાય;

તોરણ બંધાયા નંદને દ્વાર,

ભજન-કીર્તન ને સોળે શણગાર.

 

જન્મ્યો જશોદાને બાળકુમાર,

નંદરાયને હરખ અપાર;

ગોપીઓ સૌ ટોળે મળી,

જુએ કુંવરનું મુખ વળી વળી

 

લાડમાં કુંવર મોટો થાય,

ગોવાળો સંગ રમવા જાય;

ગોવાળો આવે ઉતાવળા,

શ્રી કૃષ્ણ વેણુ વાય.

 

ખેલે, કૂદે ગાયો ચરાવે, ગીત ગોપો ગાય;

ગોપીઓ આવે મલકતી, હૈયે અનેરો સ્નેહ.

દહીં દૂધના છાંટ્યા છાંટણા , છંટાય સારી દેહ;

મહીની મટુકી શિર ધરી, ગોપીઓ ચાલી જાય.

 

રોકે કનૈયો વાટમાં, પછી દાણલીલા થાય;

રંગે રમે સૌ રાસલીલા, કા’ન બંસી બજાય.

ઘરકામ સૌ પડતાં મૂકી, રાધાને ગોપી ધાય;

ગોકુળના ગોવાળ સૌ, મથુરામાં મહી ભરી જાય;

કંસરાયની રાણીઓ, દૂધ ગંગે નહાય.

 

નંદ આવી વસુદેવને મળ્યા,

આંખો તણાં આંસુ ઢળ્યા;

ક્ષેમ કુશળની પૂછી વાત,

કંસે બાળક માર્યા સાત.

 

છાના મૃગલી ડગલા ભરે,

જળ માંહી જેમ મીન ભળે;

પૂતનામાસી ચાલ્યાં પ્રભાત,

ગોકુળના બાળકોની કરવા ઘાત.

 

હૈયું હળાહળ ઝેરે ભરી,

ધવડાવવા કૃષ્ણને બેઠા ફરી;

શોષ્યા પ્રાણ ને શબ થઇ પડી,

શકટાસુર ત્યાં આવ્યો અદ્ધર ચડી.

 

કૃષ્ણ સૂતા’તા ઝોળીમાંય,

પાટું મારી પૂરો કર્યો ત્યાંય;

એ રાતે શક્ટાસુર હાર્યો,

ત્યાં મહિષાસુર બીજો ડર્યો.

 

આકાશે મચાવ્યો ઉત્પાત,

ગોવિંદાએ કીધો ઘાત;

એમ અસુરો માર્યા અનેક,

તોયે કંસે તજ્યો ન ટેક.

 

ગર્ગાચાર્ય ઋષિ આવ્યા ઘેર,

નંદે માન દીધા બહુ પેર;

દક્ષિણામાં દીધાં બહુ દામ,

બલભદ્ર કૃષ્ણ પડાવ્યાં નામ.

 

ગોઠણીયે કાયા ઘસડાય,

કાદવ ખરડાય માટી ખાય;

ક્ષણ ક્ષણમાં રૂપો બદલાય,

મોટા નાના ઘડી ઘડી થાય.

 

માંના મન હરખે ભર્યા, ને મુખ દીઠાં વિકાસ;

ચૌદ ભુવન દેખાડિયા, થયા અચરજ ને ઉલ્લાસ.

ફરીથી માંનો છેડો સાથ, માયાનો નહિ પાર પમાય;

રડવા માટે જીવ લલચાય, ચૂલે દૂધ ઉભરાયા જાય.

 

ઉછરંગે સ્તનપાન કરાય,

બોકી દઈ જશોદા હરખાય;

ફોડે ગોળી માખણ ખાય,

દહીં દૂધની રેલ રેલાય.

 

માખણિયાં નહિ ઢોળો પુત્ર,

એના પર ચાલે ઘરસૂત્ર;

ડગમગતા હરિ ડગલાં ભરે,

ચૌદ લોકમાં એ સંચરે.

 

ગોપીઓથી ફરિયાદ કરાય,

બાંધે દોર નહિ બંધાય;

જેમજેમ બાંધવા કોશિશ થાય,

તેમતેમ દોરડી ટૂંકી થાય.

 

વિષ્ણુલોક બાંધ્યા નવ જાય,

માયા પ્રભુની અજબ મનાય;

માંના ઉપર કરુણા કરી,

જાણી જોઈ બંધાયા હરિ.

 

દામોદર બાંધ્યાં દામણે,

કેશવ છાનાં છપના રડે;

યમલાર્જુન બોલ્યા એમ,

શ્રાપ નિવારણ કીધો એમ

 

નંદ જશોદા કરે ઉલટું,

ગોકુળમાં થઇ રહ્યો ઉત્પાત;

વૃંદાવન છે ઠામેઠામ,

આપણે જઈ કરીએ વિશ્રામ.

 

સકળ વેલ જોડાવી કરી,

રોહિણી-જશોદા બેઠાં મળી;

માથે મુગટ ઝાકઝમાળ;

કંઠે શોભે વિજયવંતી માળ.

 

કનકની ગેડી કૃષ્ણને હાથ,

ગાયો ચારવા જાય સંગાથ;

રઘુનાથ આવ્યો પશુ રૂપ,

વચ્છાસુરનું લઇ સ્વરૂપ.

 

નાઠી ગાયો ને બ્હીધા ગોપ,

કૃષ્ણે માર્યો તેને ચોક;

અઘાસુર ત્યાં આવ્યો અધર ચડી,

તૂટી પડ્યો ગર્જી કડકડી.

 

વજ્ર દેહ મોટું વિકરાળ,

કૃષ્ણે આણ્યો તેનો કાળ;

ગોવાળોનો ભાંગ્યો ભય,

વૃંદાવન કીધું નિર્ભય.

 

કરવા ભક્તજનોનો ઉદ્ધાર,

અવતર્યા એ શ્રી દેવમોરાર;

 

દાળ દહીં દૂધ કરમદા, આદુ ને બીલી-ભાત.

જમુના કાંઠે હરિ જમે, ગોવાળોની સાથ;

જમી જમાડે ફરી જમે, શોભે વૈકુંઠનાથ.

 

બ્રમ્હા વાછરું હરી ગયા, એવી નીપજાવી સાર;

બ્રમ્હાએ કૌતુક જોયું, માટે સ્તુતિ કરી અપાર.

એ છે અકળ સ્વરૂપ, કોઈના કળ્યા ના જાય;

એ છે મોટા વિષ્ણુ, પાર ના એનો પમાય.

 

આ અપરાધ ક્ષમા કરજો, તમે છો દીનદયાળ;

મોહન બજાવે મોરલી, ગાયો ચારવા જાય ગોવિંદ.

 

આવ્યો ધેનુક દૈત્યની જાત,

કૃષ્ણે મારી એને લાત;

એ તો ઉડી ઉછળે આકાશ,

એના નીકળી ચૂક્યા જીવ ને શ્વાસ.

 

અજા મહિષી ગૌરી સાહી,

ગોવાળ રૂપે આવ્યો પ્રલંબ ત્રાહી;

મલ્લ મોટો, લીધો દાવ,

બળદેવે કીધો મસ્તકે ઘાવ.

 

છૂટ્યા પ્રાણ ને થયો ઘુઘવાટ,

ત્યારે કંસને થયો ઉચાટ;

કૃષ્ણ ગેડી દડા તે ખેલે,

એક દાવ લે બીજો મેલે.

 

આવ્યો કૃષ્ણ કનૈયાનો દાવ,

માર્યો ફટકો કસીને લીધો લ્હાવ;

દડો ઉછળી જળમાં ગયો,

ગોવાળોને આનંદ થયો.

 

શરત પૂરી કરવા તૈયાર થાઓ,

જમનાજીમાં જઈ દડો લાવો;

કૃષ્ણ ચડ્યા કદંબની ડાળ,

મારી તે ઊંડા જળમાં ફાળ.

 

ગોપ વિસ્મિત થઇ જોઈ રહ્યા,

કોઈએ ખબર જઈ નંદને કહ્યાં;

જમના તીરે સૌ ભેગા થાય,

આંસુધારા આંખે ઉભરાય.

 

કૃષ્ણ સંચર્યા તે પાતાળ,

સુતો મણીધર વિષધર નાગ;

છંછેડીને સુતો જગાડ્યો,

અંગુઠો તે મસ્તક લગાડ્યો.

 

નાગણીઓનું કહ્યું ના માન્યું,

યુદ્ધ જાણી જોઈને આણ્યું;

ડસ્યો સર્પ થઈને અધીર,

થયા કૃષ્ણજી શ્યામ શરીર.

 

કાળીનાગને કૃષ્ણે નાથ્યો,

નાગણીઓનાં ડરને ઉથાપ્યો;

નાગણીઓ સ્તુતિ કરે અપાર,

બક્ષો હેવાતણ કૃષ્ણ મોરાર.

 

કાલાવાલા તે લક્ષમાં લીધા,

શરત કરી સ્વામી છૂટા કીધા;

પછી જળમાંથી નીકળ્યા બહાર,

ત્યારે થઇ રહ્યો જયજયકાર.

 

દોડી ભેટ્યા જશોદા માત,

ગોપ-ગોપી થયા રળિયાત;

કૃષ્ણ કથારસ કેટલા કહીએ,

પાર પરાક્રમનો નવ લઈએ.

 

દાવાનળ બુઝાવ્યો વનમાય,

ગોવર્ધન તોળ્યો કરમાંય;

જમુનાપુરમાં ડૂબ્યો ગોવાળ,

તે ઉગારી લીધો ગોપાળ.

 

વ્રત કાશીના સૌ કરે, પૂજે શ્રીગૌરી કુમાર;

બેઉ કર જોડી વિનવે, માંગું શ્રીકૃષ્ણ ભરથાર.

પીતાંબર અંબર ધરી, ચઢ્યા કદંબને ઝાડ;

જળમાં ગોપી વલવલે, વસ્ત્ર આપો શ્રી દીનદયાળ.

 

દીન મુખે વિનંતી કરે, જોડીને બે હાથ;

વસ્ત્રહરણ લીલા કરી, ગોપ-ગોપીની માયા હરી.

યજ્ઞ થયો જાનીને ઘેર, અન્ન યાચે રામ શુભ પેર;

જાનીએ ન જાણ્યો મર્મ,

 

સકળ અન્ન-ફળ આણી આલ્યાં,

એ તો કૃષ્ણજીને મન ભાવ્યા;

ગિરિ ગોવર્ધનને ધાર્યો,

મદ સુર-અસુરનો ઉતાર્યો.

 

ઇન્દ્ર તણા ઉતાર્યા માન,

ગાયા ભક્તજનનાં ગુણગાન;

 

નંદને વરુણ હરી ગયા, એવી નીપજાવી સાર;

લઇ આવ્યા વૈકુંઠરાય .

જળ જમુના ઝીલતાં, મોહનજી વેણુ વાય.

 

વ્યાકુળ થઇ ગોપાંગના, તજી ઘેર ભરથાર;

અવળાં વસ્ત્રો પહેર્યા, કંઈ માથે તે બાંધ્યા હાર.

નયને સિંદૂર સારિયા, સેંથે કાજળ રેખ;

ભુલી કંકણ હાથના, ડોકે નાખ્યા કટીમેખ.

ગોપી વચ્ચે ગોવિંદ રમે, ખેલે રાસલીલા સંગાથ;

ચંદ્ર ખીલ્યો આકાશમાં, તેવા શોભે વૈકુંઠનાથ.

 

શંખચૂડ ત્યાં આવીઓ, જ્યાં ગોપીઓ રમતી’તી રાસ;

શ્રીકૃષ્ણે તેને સંહારિયો, એના નીકળી ચૂક્યા જીવને શ્વાસ.

એમ કંઈક અસુર પછાડિયા, જેની ગણનાનો નહિ પાર;

એટલે નારદ આવીયા, કંસરાયને દરબાર.

પાણી ચડાવ્યું કંસને, કીધો અવળો ઉપદેશ;

કંસે અક્રુરને તેડાવિયા, એને અંતર જાગ્યો કલેશ.

 

આવો પધારો અક્રુરજી મહારાજ,

અમને પડ્યું તમારું કાજ;

માંમાંજીનું કરો કામ આજ,

જાણીને જતાં વાળ્યા રાજ.

 

ગંગાજળ ઘોડા જોતર્યા,

અક્રુરજી હરિ પાસે સંચર્યા;

જો શ્રીકૃષ્ણના ચરણે જાઉં,

તો તેમના આલિંગન પાઉં.

 

સમી સાંજે ગોકુળ ગયા,

અક્રુરજી શ્રીહરિને મળ્યા;

શ્રીકૃષ્ણને કહે એ તો વાત,

તમે મથુરા આવો મારી સાથ.

 

માત તાતની લો સંભાળ,

કોઈ વાંકો ન કરશે વાળ;

સુણી કૃષ્ણ તૈયાર થયા,

થઇ વ્યાકુળ ગોપી નાર.

 

નંદ જશોદાને કીધા પ્રણામ,

ગોપ બંધુઓને રામરામ;

આંસુધારા આંખે ઊભરાય,

વિનંતી કરતીને પડતી પાય.

 

વલવલતી સૌ પૂંઠે જાય,

કર કૃષ્ણનાં કરગરી સ્હાય;

ઓધવ રૂપે મળશું ફરી,

એવું આશ્વાસન આપે હરિ.

 

કૃષ્ણ કહે કાકાજી જઈએ,

આપને મથુરા ભેગા થઈએ;

રથે જોડ્યા હણહણતા તોખાર,

કીધી જમુના ઝટપટ પાર.

 

તરુવર છાયા શીતળ શાંત, રથ મધ્યાન્હે નિરાંત;

અક્રુરજી જળમાં સંચર્યા, ત્યાં તો દીઠું અકળ સ્વરૂપ.

ઊચું જોયું ને વિમાસણ થાય, એ તો અવતાર નવખંડ ભૂપ;

સ્તુતિ કરી ને કીધાં પ્રણામ, હાથ જોડીને માગ્યા વરદાન.

ગર્ભવાસના દોહ્યલા દુઃખ, મુક્તિ દેજો ને ચિરંજીવી સુખ;

 

પ્રથમ મચ્છા રૂપ ધર્યું, પેઠા સમુદ્ર મોજાર;

શંખાસુર ત્યાં મારીઓ, ને વેદ વાળ્યા ચાર.

બીજે ઈચ્છા રૂપ ધર્યું, ને સમુદ્ર મથ્યો સાર;

ચૌદ ભુવનના નાથને, ઘેર લક્ષ્મીજી આવ્યાં નાર.

 

ત્રીજે વરાહ રૂપ ધર્યું, ને પ્રાણ વધ્યા અપાર;

પૃથ્વી જતી રસાતળથી, તમે લાવ્યા દેવમોરાર.

ચોથે નરસિંહ રૂપ ધર્યું, ભક્તનાં કરવા કાજ;

હિરણ્યકશ્યપને મારિયો, પ્રહલાદને આપ્યું રાજ.

 

પાંચમે વામન બન્યા, ને ભરી અલૌકિક ત્રણ ફાળ;

ત્રણ ડગલાં ધરતી લેતાં, બલિરાજા ચાંપ્યો પાતાળ.

છઠે ફરસી ફેરવી, પરશુરામ ધાર્યું નામ;

પ્રદક્ષિણા પૃથ્વીની ફર્યા, હણ્યા ક્ષત્રિ તમામ.

 

સાતમે અસુરસુર અવતર્યા, તમો ભક્તજન પ્રતિપાળ;

રામરૂપે પુત્ર દશરથ તણા, રાવણનો કીધો કાળ.

આઠમે શ્રીકૃષ્ણ અવતર્યા, વાસુદેવ કેરા તન;

દેવકીની કૂખ ઉજાળી, યાદવકુળ શણગાર.

 

પાયે પદ્મ સોહામણા, ઉદરે રેખા ચાર;

લાંછન ભાલે ઝળહળે, શોભે શ્રી દીનદયાળ.

કાને કુંડળ રત્નના, કંઠે વિજય વરમાળ;

શંખ ચક્ર ગદા પદ્મ ધર્યા, તમ્બૂરે નારદ ગાય.

દશમો લીધો શ્રીકૃષ્ણજી એ કલંકી અવતાર;

પૃથ્વી પાછળ ફેરા ફર્યા, શ્રીલક્ષ્મીજી ભરથાર.

 

પહેલી પોળે પેસતાં, શુભ શુકન શ્રીકૃષ્ણને થયા;

મથુરા નગરીના સેવકો, સત્કારવા સામા ગયા.

 

કનકથાળે કેસર ચંદન લઈ,

કુબ્જા નારી સામી ગઈ;

ભક્તભાવે પૂજ્યા ભગવાન,

નવયૌવનના દીધા વરદાન.

 

જોગેશ્વરે ઊચું જોયું, ત્યારે દીઠું અકળ સ્વરૂપ;

બ્રમ્હાજીએ પારખ્યું, એ તો અગમ દૈવી સ્વરૂપ.

અક્રૂરે પણ ઓળખી લીધા, એમને અવિનાશ;

જોડ્યા હાથ ને કહ્યું, હું છું દાસનો પણ દાસ.

 

મહેલે ચડી શામળિયે જોયું, કંસે દીઠો કાળ;

જેવી જેની ભક્તિ, ભાસે દીઠા જમની ઝાળ.

મેડીએથી મલ્લ ધ્રુજ્યો, આણી મનમાં ખેદ;

મંડપ હેઠે પછાડ્યા, વળ્યો રાયને પ્રસ્વેદ.

ગદા સરી ગઈ હાથથી, ને ચૂંટી ગઈ તલવાર;

કંસ હણાયો શ્રીકૃષ્ણથી, ને વર્ત્યો જયજયકાર.

 

ઉગ્રસેનને પાટે બેસાડ્યા, ને આનંદ વર્ત્યો આજ;

શ્રીકૃષ્ણ ઘેર ઓચ્છવ થયા, દીધાં દાન ધર્મ અપાર.

એ રીતે સૌ મંગળ થયું, હરખ્યો સકલ સંસાર.

 

અવંતી નગરી નામે ગામ,

સાંદીપની બ્રામ્હણનું નામ;

ભણવા મુક્યા એમને ત્યાં,

સુદામા સ્નેહી ભેટ્યા જ્યાં.

 

ગોર તણા આણી આપ્યાં પુત્ર,

સકળ શાસ્ત્ર ભણિયા બહુસૂત્ર;

ગાય દોહતાં ગોરાણી મળ્યાં,

જોઈ કૃષ્ણ દોણી વિસર્યા.

કૃષ્ણે કર વધાર્યા ત્યાં,

દોણી આણી આપી ત્યાં;

 

કૃષ્ણ કહે ઓધવ સાંભળો, વેગે કરી ગોકુળ સંચરો.

વળી વલોણે બોલે વાક, નંદ જશોદા કરે વિલાપ;

એજ અમારો પ્રાણાધાર, એના વિના જીવન ધિક્કાર.

કહે ગુરુ તું સાંભળ ભૂપ, નહિ અક્રૂર એ ઓધવ રૂપ;

 

ઓધવ કરે વિવેક વિચાર, શ્રીકૃષ્ણ આરોગે એવી વાર.

બાસઠ પાનની બીડી કરી, લવિંગ સોપારી એલચી ભરી;

ઢાળ્યા ઢોલિયા ચારે પાય, નંદનંદન ઢોળે વાય.

 

વહાલે વિસારી વાટડી,

કૃષ્ણે વિસારી માવડી;

જળ વિયોગે માછલી જેમ,

કૃષ્ણ વિના હું તરફડું તેમ.

 

દૂધ માખણને હું શું કરું,

કૃષ્ણ વિના હું કોને ધરું?

મારે ઘેર છે નવલખ ગાય,

કૃષ્ણ વિના કોણ ચારવા જાય?

 

ક્યાં જાઉં મારા રઘુ નિશાળિયા,

ક્યાં જાઉં રે વ્રજના ધણી?

ઓધવ આવ્યા થયા નિષ્પાપ,

હવે રહી નથી દુઃખની વાત.

 

આપસમાં ભાંગી એક રાત,

કૃષ્ણ કથા કહેતા ગઈ રાત;

એટલે પ્રાત:કાળ જ થાય,

ધમ ધમ ગોપી ઘૂમતી જાય.

 

હરિકથાના ગાયે ગીત,

ઓધવ જુએ એમની રીત;

ઓધવ કહે સમરો દિનરાત,

નક્કી મળશે વૈકુંઠ નાથ.

 

ગોપી કહે ઓધવ સાંભળો,

હરિ સંગાથે સગપણ કરો;

હરિ સાથે શું કરવી પ્રીત,

માસી મારી એની રીત.

 

અહીં ગોવાળે દીધી દોટ, બગાસુરની મરડી ડોક;

અઘાસુર ઉર રાખ્યા હાર, વનમાં વાગે વાંસુરી.

 

ગોપી વળાવે ઓધવ વળે,

મથુરામાં એ સંચરે;

ગોપીઓના સંદેશા કહ્યા,

તે કૃષ્ણજી સાંભળી રહ્યા.

 

કનક કસ્તુરી કપૂર અગર તણા, ઉકળ્યા છે ધૂપ;

ચંદરવે મોતીની શેર, હરિ પધાર્યા કુબ્જા ઘેર.

 

લળી લળી અક્રૂર ચરણામૃત લે,

ચરણરજ લઈ મસ્તકે ધરે;

કૃષ્ણ કહે કાકા સુણો વાત,

હસ્તિનાપુર લઈ ચાલો આજ.

 

પાંચ પ્રાણી જેમ પામે સુખ,

મરણથી અધિક કુંતાના દુઃખ;

હરિહરિ કર્મ વિધાતા ગ્રહી,

મંદિરમાં અગ્નિ પ્રજ્વળી.

 

વિલાપ કરતી કંસની નાર,

આવી છે મહિયર મોજાર;

સાંભળો વાત તમે જરાસંઘ તાત,

તમારી દીકરી થઇ અનાથ.

 

ક્રોધભર્યો જરાસંધ જાય,

સેના તે સઘળી આગળ થાય;

ધૂળ ઊડે સૂરજ ઢંકાય,

ધરતી ત્રાડે ધમ-ધમ થાય.

 

કંઈક મળ્યા છે રાણા રાય,

જીતતો જીતતો આગળ જાય;

રુધિર તણી તો નદીઓ વહી,

ત્યારે લડાઈ પૂરી થઈ.

 

હાર્યો જરાસંધ ભાગ્યો જાય,

કાળચક્ર એની પૂંઠે જાય;

કહે મારું મોટું નામ,

મચ્છાપે જીતું સંગ્રામ.

 

ગુફામાં પોઢ્યો છે મુચકુંદ,

પામરી ઓઢાડી બાળ મુકુંદ;

જોતજોતામાં વિસ્મિત થાય,

બળી ભસ્મ જ થાય.

 

ત્યારે થયો શ્રીકૃષ્ણ અવતાર,

નિદ્રામાં ખોયો અવતાર;

સોળ કળા પરિપૂર્ણ જ થાય,

શ્રીનાથજી પધાર્યા મથુરામાંય.

 

આગે યાદવ અતિ,

ગામ વસાવ્યા દ્વારામતી;

આપણે તો છે ચિંતા ઘણી,

જાળવનાર છે ત્રિભુવનધણી.

 

ભગવાન દુર્યોધનને ત્યાં ગયા, ભક્તની કરવા સહાય;

શ્રીકૃષ્ણ ને સંભારિયા, દ્રૌપદીની રાખી લજ્જાય.

સંસાર સાગર ડૂબતાં, જેણે જપ્યા હરિનાં નામ;

અવિનાશી કુંવરી એમ ભણે, તેના થાય પૂરણ કામ.

 

આ દશમ ભાગવતની કથાનો પાઠ કરીએ ખાસ;

ભવના બંધનથી છૂટીએ, ફરી થાય ના ગર્ભવાસ.

માટે હેતે હરિને ભજો, રાખો પૂરો વિશ્વાસ;

ભક્તો છે દાસ ભગવાનના, ને ભગવાન ભક્તના દાસ.

 

 

 

Advertisements
Leave a comment

Feedback

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

w

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.

%d bloggers like this: