નાગર નંદજીના લાલ

        નાગર નંદજીના લાલ
	રાસ રમંતાં મારી નથડી ખોવાણી

	કાના ! જડી હોય તો આલ, કાના ! જડી હોય તો આલ
	રાસ રમંતાં મારી નથડી ખોવાણી

	પીળી પીળી નથડી ને ધોળાં ધોળાં મોતી
	તે નથડીને કારણ હું તો હીંડું ગોકુળ જોતી
	જોતી ... જોતી ... નાગર નંદજીના લાલ
	રાસ રમંતાં મારી નથડી ખોવાણી

	એક એક મોતી માંહી સોના કેરો તાર
	સોળસેં ગોપીમાં પ્રભુ ! રાખો મારો ભાર
	ભાર... ભાર ... નાગર નંદજીના લાલ
	રાસ રમંતાં મારી નથડી ખોવાણી

	નાનેરી પહેરું તો મારે નાકે નવ સોહાય
	મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
	ખાય... ખાય... નાગર નંદજીના લાલ
	રાસ રમંતાં મારી નથડી ખોવાણી

	આંબા પર કોયલડી બોલે વનમાં બોલે મોર
	રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
	ચોર... ચોર... નાગર નંદજીના લાલ
	રાસ રમંતાં મારી નથડી ખોવાણી

	તું છે બેટી ભ્રખુભાણની ગોકુળ ગામમાં રે'તી
	ત્રણ ટકાની નથડી માટે મુજને ચોર કહેતી
	કહેતી ... કહેતી ... નાગર નંદજીના લાલ
	રાસ રમંતાં મારી નથડી ખોવાણી.

	તું છે લાલો નંદરાયનો હું આહીરની છોડી
	બાઇ મીરાં કે' ગિરધર નાગર મારી મતિ છે થોડી
	થોડી ... થોડી ... નાગર નંદજીના લાલ
	રાસ રમંતાં મારી નથડી ખોવાણી.

Create a free website or blog at WordPress.com.