ખમ્મા મારા નંદજીના લાલ

ખમ્મા મારા નંદજીના લાલ, મોરલી ક્યાં રે વગાડી

ગોપીઓ દોડી દોડી જાય, મોરલી ક્યાં રે વગાડી …

આંધણ મુક્યા છે મેં તો ચૂલા ઉપર ઝુલતા (2)

આંધણીયાં ઉભરાઈ જાય, મોરલી ક્યાં રે વગાડી …

એરે મોરલીયે મન મારું મોહ્યું (2)

મેલ્યાં છે ઘરને બા’ર , મોરલી ક્યાં રે વગાડી …

બેડું મેલ્યું છે મેં તો સરોવર ઝૂલતું (2)

ઈંઢોણી આંબાની ડાળ, મોરલી ક્યાં રે વગાડી …

છાશ મેલી છે મેં’તો ગોળીએ ઝૂલતી (2)

માખણ મીંડા ખાય, મોરલી ક્યાં રે વગાડી …

દળણું મેલ્યું છે મેં તો ઘંટીએ ઝૂલતું (2)

લોટ બધો કુતરા ખાય, મોરલી ક્યાં રે વગાડી ,…

બાળક મેલ્યા છે મેં તો પારણીયે ઝુલતા, (2)

રોતાં મુક્યા નાનેરા બાળ, મોરલી ક્યાં રે વગાડી …

રસોઈ કરતી ને ઘેલી ફરતી (2)

આકુળ વ્યાકુળ મન થાય, મોરલી ક્યાં રે વગાડી …

ભાણું પીરસીને હું તો જમવાને બેઠી (2)

ભોજન ઠરી ઠરી જાય, મોરલી ક્યાં રે વગાડી …

હું તો સુતી’તી મારા શયન ભુવનમાં (2)

સાંભળ્યો મોરલીનો નાદ, મોરલી ક્યાં રે વગાડી …

મોહે તો નરસૈયાના સ્વામી કહે છે (2)

વહાલે રમાડ્યા રાસ, મોરલી ક્યાં રે વગાડી …

Leave a comment

Feedback

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Blog at WordPress.com.